ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક ૨૦૨૨’નો આજ તા. ૪ જુલાઈ, ૨૦૨૨ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી દેશવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હસ્તે ટેકનોલૉજીના માધ્યમ દ્વારા જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે અનેકવિધ નવીન ડિજિટલ પહેલ દેશવાસીઓ માટે ખુલ્લી મુકશે.
આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ કરવામાં આવશે.
ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૪થી ૬ જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી કરાશે તથા આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત ટેકનોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે. તેમજ આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે તે માટે પણ ચર્ચા થશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે, જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન કરવામાં આવશે.
વધુમાં, ભારતીય યુનિકોર્ન્સ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ ટેકનોલૉજી આધારિત સોલ્યુશન્સ પણ તા. ૭થી ૯ જુલાઈ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા ડિજિટલ નોલેજનું આદાન-પ્રદાન કરાશે.
પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવનાર ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પહેલ થકી દેશની વિવિધ ભાષાઓમાં વૉઇસ-આધારિત ઍક્સેસથી ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટના નિર્માણમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ પહોંચને વધુ મજબૂત કરાશે. ભારતીય ભાષાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષા ટેક્નોલોજી કલ સોલ્યુશન્સથી વધુને વધુ નાગરિકો જોડવામાં સરળતા થશે.
પ્રધાનમંત્રી ‘ડિજિટલ ઈન્ડિયા જેનિસિસ (ઈનોવેટિવ સ્ટાર્ટઅપ માટે જનરલ નેક્સ્ટ સપોર્ટ)’ રાષ્ટ્રીય ડીપ-ટેક સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ છે, જે ભારતના ટિયર-II અને ટિયર-III શહેરોમાં શરૂ થયેલા પ્રતિભાવાન સ્ટાર્ટઅપ્સને શોધીને તેને એક સફળ સ્ટાર્ટઅપ બનાવવા અને તેના વિકસાવવામાં પણ મદદરૂપ થશે. જે માટે અંદાજે રૂ. ૭૫૦ કરોડ ખર્ચની પરિકલ્પના કરવામાં આવી છે.
‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’ એ આધાર, યુ.પી.આઈ, ડિજીલોકર, કો-વીન વેક્સિનેશન પ્લેટફોર્મ, ગવર્નમેન્ટ,ઈ-માર્કેટ પ્લેસ(GeM), DIKSHA પ્લેટફોર્મ અને આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન જેવા ઈન્ડિયા સ્ટેક હેઠળ અમલમાં મૂકાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સનું કેન્દ્રબિંદુ ગણાય છે.
‘માય-સ્કીમ’ પ્લેટફોર્મ એક સામાન્ય નાગરિકને સરકારી યોજનાઓ વિશેની માહિતી, યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા વગેરેની માહિતી પ્રદાન કરશે. જેનો ઉદ્દેશ્ય “વન-સ્ટોપ સર્ચ એન્ડ ડિસ્કવરી”નો છે જ્યાં લાભાર્થીઓ કઇ સરકારી યોજનાઓ લાભ લેવા માટે તેઓ લાયક છે તે સરળતાથી શોધી શકે તેવો છે.
આ ઉપરાંત, ‘મેરી પહેચાન- નેશનલ સિંગલ સાઈન-ઓન ફોર વન સિટીઝન લોગિન’ની સુવિધા પણ દેશના નાગરિકોને સમર્પિત કરવામાં આવનાર છે. નેશનલ સિંગલ સાઇન-ઓન એ એક યુઝર ઓથેન્ટીકેશન સેવા છે, જેમાં વિવિધ ઓળખપત્રો બહુવિધ ઑનલાઇન એપ્લિકેશનો અથવા સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરશે.
‘ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ(C2S)’ નામની અન્ય પહેલ હેઠળ સહાયિત થનારી ૩૦ સંસ્થાઓના પ્રથમ સમૂહની પણ જાહેરાત કરાશે. C2S પ્રોગ્રામનો મુખ્ય હેતુ સેમિકન્ડક્ટર ચિપ્સ ડિઝાઇનના ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક અને સંશોધનના સ્તરે જ વિશેષ માનવશક્તિને તાલીમ આપી દેશમાં જ સેમિકન્ડક્ટર ડિઝાઇન સાથે સંકળાયેલા સ્ટાર્ટ-અપ્સના વિકાસ માટે પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ સેમિકન્ડક્ટર્સમાં ડિઝાઇન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેના ‘ભારત સેમિકન્ડક્ટર મિશન’નો એક મહત્વનો ભાગ છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube