ધૂળિયું દુબઈ શહેર ક્યારે દુનિયાનું સૌથી સુંદર શહેર બની ગયું તેની ખબર પણ ન પડી! વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સૌથી સારા રસ્તા, સુંદર મેટ્રો-ટ્રેન, ગગનચુંબી મકાનો, ધમધમતાં વેપાર-વાણિજ્ય…., 30-40 વર્ષમાં આખા શહેરની કાયાકલ્પ થઈ ગઈ! જૂના દુબઈમાં મોતીઓનો વેપાર થતો. જાપાને કૃત્રિમ મોતી બનવતાં, મોતીઓનો વેપાર ઓછો થયો. તેલ સેક્ટરમાં થોડુંક આગળ વધ્યાં, પણ તેલ પર નિર્ભર ન થવાય તેવું ત્યાંના શાસકોને લાગતાં, તેમણે દીર્ઘદ્રષ્ટિથી દુબઈને વેપારનું કેન્દ્ર બનાવ્યું. પર્યટન સ્થળ તરીકે વિકસાવ્યું… આજે વેતાળને દુબઈ ફરવા જવાની ઈચ્છા થઈ હતી. એની વાત કદાચ રાજા વિક્રમને પહોંચી હતી. તેઓ વેતાળ પાસે પહોંચ્યા અને બોલ્યા, “ચાલ, આજે તને દુબઈની વાત પણ કરું અને દુબઈ ફેરવી લાવું…”
“દુબઈ… હજુ તો 50 વર્ષ પહેલાં તેઓ અરબ દ્વીપના રણપ્રદેશમાં કબાયલી જાગીરના એક સમૂહ તરીકે ઓળખાતા હતા, પરંતુ ત્યારે જ્યાં તંબુ જેવાં ઘર હતાં ત્યાં આજે લગભગ અડધી સદી પછી મહાકાય બજારો, ગગનચુંબી ઇમારતો અને પહોળી આસ્ફાલ્ટની સડકો ધરાવતાં શહેર છે. જ્યાં જીવનનિર્વાહ માટે ખજૂર ઉતારવામાં આવતો હતો, મોતી શોધવામાં આવતાં હતાં અને ઊંટ પાળવામાં આવતા હતા, ત્યાં સમગ્ર અરબી દ્વીપમાં સૌથી મોટું કલા સંગ્રહાલય પેરિસના લુવર ઇન પેરિસ, ન્યૂ યૉર્ક યુનિવર્સિટી અને પેરિસની સોરબૉન યુનિવર્સિટીની શાખાઓ ખૂલી ગઈ છે.
આજે ત્યાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત, સૌથી ભવ્ય હોટેલ (સેવન સ્ટાર), વિશ્વનું સૌથી મોંઘું પેઇન્ટિંગ (લિયોનાર્ડો દ વિન્ચીનું સાલ્વાટર મુંડી એટલે કે સેવિયર ઑફ ધ વર્લ્ડ) અને વિશ્વનું સૌથી મોટું શૉપિંગ સેન્ટર છે. આટલું જ નહીં, તે વિશ્વના એવા જૂજ દેશોમાં સામેલ છે જેમણે અવકાશમાં તેમના મિશન મોકલ્યા છે, સાથે જ ઑફિસમાં સાડા ચાર દિવસના અઠવાડિયાનો અમલ કરવાવાળો પણ તે વિશ્વનો પહેલો દેશ છે. યુનાઇટેડ અરબ અમીરાત (યુએઈ) અરબ દેશોમાં તેના તેલના કૂવાઓને કારણે આધુનિકતા અને ટેકનૉલૉજીના મજબૂત સમન્વય સાથેનું પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનું પ્રવેશદ્વાર બની ગયું છે.
પર્શિયન ગલ્ફમાં પશ્ચિમી દેશોનો સહયોગી અને વિશ્વની સૌથી વિવાદાસ્પદ સરમુખત્યારશાહીમાંનો એક સાઉદી અરેબિયા આજે એક મોટી વૈશ્વિક તાકાત છે. અડધી સદી કરતા પણ ઓછા સમયમાં સાઉદી અરેબિયામાં થયેલા આ પરિવર્તન પાછળ જે એક વ્યક્તિનું નામ લેતા મધ્ય પૂર્વના નિષ્ણાતો અચકાતા નથી, તે છે શેખ ખલીફા બિન ઝાયેદ બિન સુલતાન અલ નહયન, જેમનું ગયા મહિને (મે 2022) અવસાન થયું હતું.
વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ ગણાતા અબુ ધાબીના અમીર અને શાસક શેખ ખલીફા બિન ઝાયેદ બિન સુલતાન અલ નહયન યુએઈના બીજા રાષ્ટ્રપતિ અને એક વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યા છે જેમણે પ્રાદેશિક વિકાસના બળ પર પોતાના દેશને વિશ્વના નકશા પર સ્થાન અપાવ્યું છે. 2014માં સ્ટ્રોકનો ભોગ બન્યા પછી તેમણે શાસનનો નિયમિત કારભાર છોડી દીધો હતો પરંતુ તેમની હાજરી દરેક જગ્યાએ દેખાતી હતી. હોટેલની લૉબીમાં, સરકારી ઑફિસોમાં, દુકાનો અને રેસ્ટોરાંમાં પણ તેમની તસવીરો દેખાતી હતી.
સરકારી કામની દેખરેખ સહજ રીતે જ તેમના ભાઈ મોહમ્મદ બિન ઝાયેદ બિન સુલતાન અલ નહયનના હાથમાં આવી ગઈ. તેમના વિશે કહેવાય છે કે તેઓ છેલ્લા કેટલાક દાયકાઓથી અમીરાતમાં વિદેશ નીતિનો પ્રમુખ ચહેરો રહ્યા હતા. હવે તેઓ દેશના રાષ્ટ્રપતિ બની ગયા છે. શેખોના આ રાજવંશને તેમના દેશને કેવી રીતે કબાયલી રાજ્યમાંથી મધ્ય પૂર્વના સૌથી શક્તિશાળી દેશમાં તબદીલ કરવામાં કેવી રીતે સફળતા મળી?
1960ના દાયકાના અંત સુધીમાં, બ્રિટને તેની હકૂમતમાંથી અરેબિયન દ્વીપકલ્પ છોડવાનું શરૂ કર્યું હતું. એક સદી પહેલાં અંગ્રેજો ત્યાં આવ્યા હતા ત્યારે કેટલાક લડાયક કબાયલીઓ પસાર થતા માલવાહક જહાજોને લૂંટી લેતા હતા. અંગ્રેજો તેમના પર નિયંત્રણ મેળવવા માટે જ ત્યાં આવ્યા હતા. જો કે ત્યાં તેલના કૂવા મળી આવ્યા હતા, પરંતુ અંગ્રેજોએ ત્યાં રહેવામાં ફાયદા કરતાં વધુ જોખમ જોયું અને તેઓ દેશ છોડી ગયા. મુખ્ય જોખમ, છ અમીરાત (દુબઈ, અબુ ધાબી, શારજાહ, અજમાન, ઉમ અલ ક્વૈન, ફુજૈરાહ)ના શેખ દ્વારા પરસ્પરની બાબતોના સમાધાન અને સંકલન માટે કાઉન્સિલની રચના કરવાનો નિર્ણય હતો.
ડિસેમ્બર 1971માં, આ તમામ છ અમીરાત એક થઈ ગયા અને એક નવા અર્ધ-સ્વાયત્ત દેશ, સંયુક્ત અરબ અમીરાતની રચના કરવામાં આવી. થોડા મહિના પછી, અન્ય અમીરાત રાસ અલ ખૈમાહ પણ તેમની સાથે જોડાઈ ગયું, જે આજે પણ સંયુક્ત અરબ અમીરાતના નકશા પર હાજર છે. અબુ ધાબીના તત્કાલીન અમીર, ઝાયેદ બિન સુલતાન અલ-નહયન (ખલીફાના પિતા અને મોહમ્મદ) દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.
તેલની શોધ થઈ ગઈ હતી અને અર્થતંત્રમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું અને પ્રજાના નાણામાં વધારો થવાની પ્રક્રિયા શરૂ થઈ. આ પ્રક્રિયા પર્શિયન ગલ્ફના સુન્ની રાષ્ટ્રો (સાઉદી અરેબિયા, ઓમાન, કતાર, બહેરીન અને કુવૈત) જેવી જ હતી. ‘ફ્રૉમ ડેઝોર્સ કિંગડમ ટુ ગ્લોબલ પાવર – ધ રાઇઝ ઑફ ધ અરબ ગલ્ફ’માં ઇતિહાસકાર રોરી મિલર દાવો કરે છે કે આ દેશોની અપાર આર્થિક સફળતા પાછળ તેલની કમાણીને વિવિધ હિસ્સેદારો વચ્ચે વહેંચવાની અને બચતને રિયલ ઍસ્ટેટ, આર્ટ અને સ્ટૉકમાં કન્વર્ટ કરવા જેવી સ્થાઈ મિલકતોની બચત કરવાની મજબૂત પ્રક્રિયા છે.
ખાડીના અન્ય દેશોમાં, યુએઈ સૌથી વધુ વૃદ્ધિ અને સૌથી વધુ માથાદીઠ આવક સાથે ટૂંકા ગાળામાં ધનિક દેશ બનવામાં સફળ થયો છે. તમામ અમીરાત માટે તેલ સરખી માત્રામાં ઉપલબ્ધ નહોતું અને તે અબુ ધાબીના વિકાસનું સૌથી મોટું વાહક બની ગયું છે, તેની તેલની સમૃદ્ધિ યુએઈના આર્થિક વિકાસ માટે સફળતાનું સૌથી મોટું શસ્ત્ર બની ગયું છે. અર્ધ-સ્વાયત્ત અમીરાત હોવાને કારણે, આર્થિક અને વિકાસ યોજનાઓમાં ફેરફારો દ્વારા તેમને મજબૂત કરવાની ક્ષમતાએ તેમની અર્થવ્યવસ્થાના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી હતી.
કેટલાક અમીરાતે પર્યટન પર ભાર મૂક્યો તો કેટલાકે વિદેશી મૂડીને આકર્ષિત કરવા માટે વ્યૂહરચના ઘડી હતી અને આ રીતે 1985માં દુબઈના બહારના ભાગમાં એક મુખ્ય વ્યાપારી બંદર અને વેપાર કેન્દ્ર જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોનની સ્થાપના કરવામાં આવી હતી. તેની સ્થાપનાના લગભગ 40 વર્ષ પછી તે આજે પણ વિશ્વનો સૌથી મોટો ફ્રી ટ્રેડ વિસ્તાર છે. આજે તેનો વિસ્તાર થઈને અનેકગણો બની ગયો છે. તે મધ્ય પૂર્વનું સૌથી મોટું બંદર છે. તે સતત 24 વર્ષ મધ્ય પૂર્વનું શ્રેષ્ઠ બંદર પણ રહ્યું છે.
પાણી, હવા અને જમીન માર્ગે જોડાયેલું આ બંદર આજે યુએઈની અર્થવ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. વિદેશી માલિકો માટે ટૅક્સ મુક્તિ, કસ્ટમ ડ્યૂટીના લાભોની સુગમતા છે. તે અમીરાતના સ્થાપક, ઝાયેદ બિન સુલતાન અલ-નહયનનું વિઝન હતું, જેણે 20મી સદીના અંત સુધીમાં તેમના દેશને વિશ્વના નકશા પર સ્થાન મેળવવા માટે સક્ષમ બનાવ્યું. જોકે, ઘણા લોકો એ વાતે સહમત નથી કે નવી સદીનું વિઝન શેખ ખાલિદ અને તેના સાવકા ભાઈનું સર્જન છે. હજુ તો ઘણીબધી માહિતી છે પરંતુ એ ફરી ક્યારેક…”
“ટૂંકમાં મહારાજ આપણે દુબઈ ફરવા જઈએ છીએ. બુર્જ ખલીફા, દુબઈ મોલ, ડેઝર્ટ સફારી… અનેક જગ્યાએ ફરીને દુબઈને દિલમાં ભરી લેવું છે…” અને વિક્રમ વેતાળે દુબઈ જવા એર ટિકિટ બુક કરાવી લીધી…
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube