ગાંધીનગર : ગાંધીનગરના નાગરિકો પ્રતિવર્ષ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે એ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગ્રીષ્મોત્સવનો શાનદાર શુભારંભ થયો છે. ગુરુવારે રાત્રે રાજ્યના ગૃહ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ મંગલ દિપ પ્રગટાવીને ગ્રીષ્મોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. ગાંધીનગરના કલારસિક નાગરિકોને ઉદબોધન કરતાં મંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે, કોઈપણ શહેરની સંસ્કૃતિની ઓળખ તેના નાગરિકોને આભારી હોય છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમ છેલ્લા ૨૭ વર્ષોથી ગાંધીનગરમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માધ્યમથી સંસ્કાર સિંચનનું કામ કરે છે તે ખરેખર પ્રશંસનીય છે. કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ગાંધીનગરની વિશેષ ઓળખ ઉભી કરવા માટે પ્રયત્નશીલ સૌ નાગરિકોને તેમણે અભિનંદન આપ્યા હતા.
ગાંધીનગરના મેયર હિતેષભાઇ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશુભાઈ પટેલ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર પ્રશાંતભાઈ જોશી અને શ્રી હરિ ગ્રુપના નિસર્ગભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગ્રીષ્મોત્સવના પ્રથમ દિવસે હજારો નાગરિકોએ ‘બોલીવુડ ઢોલ કિંગ’ તરીકે જાણીતા ભારતના સુપ્રસિદ્ધ ઢોલી હનીફભાઈ અને અસલમભાઈના સુપરડુપર હિટ ઓરકેસ્ટ્રાને મન ભરીને માણ્યું હતું.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, ગાંધીનગર કલ્ચરલ ફોરમ કોરોનાના બે વર્ષના અંતરાલ પછી પુનઃ ગાંધીનગરના નાગરિકોની સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે સેવા કરવા સુસજ્જ છે. આવનારી પેઢીમાં કલા અને સાહિત્યના સંસ્કારો પાંગરે તે માટે કલ્ચરલ ફોરમ વિશેષ પ્રયત્નો કરશે.
આંતરરાષ્ટ્રીય ગાયક કલાકાર શકિરા, મેડોના, જીપ્સી કિંગ અને યુરોપિયન બેન્ડમાં પોતાના ઢોલનું કૌવત દેખાડીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરનાર હનીફ અને અસલમ મૂળ કચ્છના વતની છે. તેમણે કહ્યું હતું કે, ઢોલ અમારે મન પહેલો પ્રેમ છે. અમારા પિતાજી કહેતા, “તમારા વાજિંત્રને પ્રેમ કરો, પછી તમારે કોઈને પ્રેમ કરવાની જરૂર નહીં પડે.” અમે અમારા પિતાજીના આ વાક્યનું અક્ષરશઃ પાલન કરીએ છીએ. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગ્રીષ્મોત્સવના પહેલા દિવસે હનીફ – અસલમે ધૂમ મચાવી હતી. ગાંધીનગરના સંગીત પ્રેમી નાગરિકો હનીફ-અસલમના ઢોલના તાલે ઝૂમ્યા હતા. ગાયક કલાકારો એશ્વર્યા પંડિત ( સારેગમપ 2008 ફાઈનલીસ્ટ) , રિયા ભટાચાર્ય, રેહાન ખાન (ફેમ એક્સ વિનર), અર્શ મહંમદ (ઇન્ડિયન આઇડોલ 2020 ફાઈનલીસ્ટ ) અને ફિરોઝ લાડકાએ ગાંધીનગરના નાગરિકોને કર્ણપ્રિય ગાયનથી ડોલાવી દીધા હતા.
હનીફ અને અસલમે કહ્યું હતું કે, આજે ગાંધીનગરે અમારી કલાની ખૂબ કદર કરી છે. અમે ગાંધીનગરના નાગરિકોના અભૂતપૂર્વ પ્રતિસાદથી ગદગદ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાગ, રસોઈ અને પાઘ ક્યારેય એક સરખા ન બને. પણ આજે ગાંધીનગરમાં અમને અમારુ સંગીત કદરદાન પ્રેક્ષકો સમક્ષ રજૂ કરતાં ખૂબ આનંદ થયો છે. ગાંધીનગરનનો આ કાર્યક્રમ અમને હંમેશાં યાદ રહેશે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu