fbpx

ગુજરાતમાં ‘નો રિપિટ થિયરી’ દરેકને ચાન્સ મળવો જરૂરી..!

ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ફેરબદલ જોઈ વેતાળ અચંબો પામી ગયો. એકાદ વ્યક્તિને બદલતા પહેલા કેટ કેટલો વિચાર કરવો પડે એમાં આખું મંત્રીમંડળ બદલી નાખવાનો આ પ્રથમ પ્રયોગ ખતરો કે ખિલાડી જેવો છે. રાજકારણ જ શું કામ? બીજે બધે પણ એકાદ વ્યક્તિ એનું સ્થાન વર્ષો સુધી ખાલી નથી કરતી, બીજાનો ચાન્સ જ આવતો નથી. વેતાળ ખુશ ખુશાલ હતો અને એને વધુ જાણકારી મેળવવા તાલાવેલી જાગી હતી એટલામાં ત્યાં રાજા વિક્રમ આવી ગયા…

“મહારાજ, મને ખબર છે ભાજપને જયારે દેશભરમાંથી લોકસભામાં માત્ર બે બેઠકો મળી હતી ત્યારે તે બેમાંથી એક બેઠક ગુજરાતમાં મળી હતી. મહેસાણાના ડૉ એ.કે પટેલ ભાજપના ગુજરાતમાંથી પ્રથમ સાંસદ બન્યા હતા. એ સમયથી ગુજરાત ભાજપ અને આરએસએસ માટે રાજકીય લિટમસ ટેસ્ટ કરવાની લૅબોરેટરી બન્યું છે એમ નિષ્ણાતોનો એક વર્ગ માને છે. તમે કંઈ વધુ માહિતી આપો…”

“ડિયર વેતાળ, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે હાલમાં ગુજરાતમાં જે રીતે મુખ્યમંત્રી, નાયબમુખ્ય મંત્રી અને આખું મંત્રીમંડળ બદલી નાખ્યું એ નો રિપીટ થિયરી પણ ભાજપનો એક નવો રાજકીય પ્રયોગ માટે ભાજપે ગુજરાતને જ નો રિપીટ થિયરીના પ્રયોગ માટે પસંદ કર્યું છે. ભાજપની હિંદુત્વની લૅબોરેટરી ગણાતા ગુજરાતમાં પાર્ટીને સત્તામાં ૨૫ વર્ષથી વધુ સમય વીતી ગયો છે.
આમ તો ભાજપે મુખ્ય મંત્રી બદલ્યા હોય એવો આ પ્રથમ પ્રયોગ નથી. ગુજરાત પહેલાં ભાજપે કર્ણાટક અને ઉત્તરાખંડમાં પણ સરકારના શીર્ષ નેતૃત્વને બદલી નાખ્યું હતું, પરંતુ મુખ્યમંત્રી સાથે આખું મંત્રીમંડળ બદલી નાખવાનો આ પ્રથમ પ્રયોગ છે. ભાજપ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રભાવની વાત નવી નથી. વર્ષો સુધી ભાજપમાં રહેલા ભાજપના ભૂતપૂર્વ સાંસદે કહ્યું કે “ભાજપમાં 80ના દાયકામાં આવા નિર્ણયો નહોતા લેવાતા, પણ જેમજેમ ભાજપની પાસે સત્તા આવતી ગઈ તેમ-તેમ આરએસએસ ભાજપ પર હાવી થવા લાગ્યું અને અનેક નિર્ણયો અલગ રીતે લેવાના શરૂ થયા.”

આરએસએસ ગુજરાતમાં પહેલેથી કામ કરી રહ્યું હતું. દુર્ગાવાહિની, બજરંગદળ, વનબંધુ યોજના જેવાં કામ થઈ રહ્યાં હતાં. 1972થી પ્રવૃત્તિ ચાલતી હતી. ખુદ નરેન્દ્ર મોદી વનબંધુ યોજનામાં કાર્યકર રહી ચૂક્યા છે. પણ જેમ-જેમ ભાજપ સત્તા તરફ વધતો ગયો એમ મીડિયામાં તેની નોંધ લેવાતી ગઈ. 1986માં ભાજપમાં ટેકનૉક્રેટ, બ્યુરોક્રેટ, ડૉક્ટર અને વકીલને જોડવાનું કામ વધારે જોરમાં ચાલવા લાગ્યું, પરંતુ એ સમયે આરએસએસ દ્વારા કોઈ દખલગીરી કરવામાં આવતી નહોતી. 1989ની ચૂંટણીમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે એ સમયે ટીવી સુપરસ્ટાર તરીકે લોકપ્રિય એવાં રામાયણનાં પાત્રો ભજવતા દીપિકા ચીખલિયા, અરવિંદ ત્રિવેદી અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા મહેશ અને નરેશ કનોડિયાને પાર્ટીમાં લાવવામાં આવ્યા. 1990ના સમયમાં ભાજપમાં આરએસએસની દખલગીરી વધી ગઈ હતી. એ સમયે ભાજપનો સૂરજ ધીમે-ધીમે મધ્યાહને પહોંચી રહ્યો હતો.

ચીમનભાઈ પટેલ સાથે સરકાર બનાવી અને પછી સંઘના પ્રયોગો વધવા લાગ્યા. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ જેવી ભગિની સંસ્થાઓ મજબૂતીથી બહાર આવી રહી હતી. એ સમયગાળામાં 25 સપ્ટેમ્બરે લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી રામ રથયાત્રા શરૂ કરી અને સંઘનો ગુજરાત ભાજપમાં પગ વધારે મજબૂત થયો. આ એવો સમય હતો જ્યારે મંડળપ્રમુખના નામે જૂના કાર્યકર્તાઓની બાદબાકી થઈ અને નવા ચહેરાના નામે નવા લોકોનો સમાવેશ થયો.

નવા પ્રયોગોના નામે ભાજપમાં સંઘનું વર્ચસ્વ વધતું ગયું. એ સમયે સંસદસભ્યો વિધાનસભા ચૂંટણી ન લડી શકે એ નિર્ણય ખરેખર શંકરસિંહ વાઘેલા અને કાશીરામ રાણા જેવા નેતાઓની ગોઠવણ કરવા માટેનો પેંતરો હતો, પરંતુ શંકરસિંહ વાઘેલા પહેલાંથી પ્યાદાં ગોઠવી ચૂક્યા હતા. એમણે પોતાના સમર્થકોને ધારાસભ્ય તરીકે ટિકિટ અપાવી દીધી અને તેનું પરિણામ એ આવ્યું કે કેશુભાઈના 1995ના મંત્રીમંડળમાં એમના સમર્થકો વધારે હતા. આ સમય પહેલાં ખજુરાહોકાંડ થયો અને એ સમયે કાશીરામ રાણાને મુખ્ય મંત્રી બનાવવાનું નક્કી થયું પણ સંઘના આદેશને કારણે સુરેશ મહેતાને મુખ્ય મંત્રી બનાવાયા. આ સમયગાળો એવો હતો કે ભાજપમાં આરએસએસના નિર્ણયો મહત્ત્વના બનવા લાગ્યા હતા. 1995માં કેશુભાઈ ગુજરાતમાં ભાજપની પહેલી સરકારના પહેલા મુખ્યમંત્રી બન્યા ત્યારે એ પ્રજા અને પત્રકારો સૌ માટે એક કૌતુકનો વિષય હતા.

ભારતભરમાં પણ ભાજપની આ પહેલવહેલી સરકાર હતી. પાંચ દાયકાના કૉંગ્રેસ અને મિશ્ર સરકારોના શાસન પછી જાણે દેશે પડખું ફેરવ્યું હતું. જોકે શંકરસિંહ વાઘેલાના બળવા પછી 1995માં કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું, ત્યારબાદ સુરેશ મહેતા ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા. 1996માં તેમણે રાજીનામું આપ્યું અને ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું. ભાજપમાં 1990ના દાયકાથી સત્તા નજીક આવતો ગયો તેમતેમ નવા પ્રયોગોના નામે જૂના કાર્યકર્તાઓ અને વરિષ્ઠ નેતાઓને તડકે મૂકવાનું કામ શરૂ થયું. 2001માં પછી સંઘના નામે પ્રયોગો શરૂ થયા. એમાં સફળતા મળતા ગુજરાત રાજકીય પ્રયોગોના લિટમસ ટેસ્ટ માટેની પ્રયોગશાળા બની ગયું.

નો રિપીટ થિયરી પહેલાં કેશુભાઈના સમયમાં ઉપયોગમાં લેવાઈ જ્યારે કેશુભાઈ પટેલના સમર્થનમાં ભૂતકાળમાં કામ કરી ચૂકેલા લોકોને ઍન્ટી ઇન્કમ્બન્સીના નામે ટિકિટ ન અપાઈ, જેથી તેમનું રાજકારણ પૂરું થાય. કાશીરામ રાણા આ નો રિપીટ થિયરીનો ભોગ બન્યા હતા. ભાજપને ઊભો કરવામાં ફાળો આપનાર અશોક ભટ્ટને મંત્રીમંડળમાં નંબર ટુનું સ્થાન ન આપવું પડે એટલે સ્પીકર બનાવી દીધા હતા. હાલમાં ગુજરાતમાં રાતોરાત સરકાર બદલાવીને નો રિપીટ થિયરીનો પ્રયોગ કરીને ભાજપે બધાને ચોંકાવી દીધા. પ્રશ્ન એ થાય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં આ પ્રયોગ કરીને ભાજપે રિસ્ક લીધું છે કે કેમ?

જો આ પ્રયોગમાં ભાજપ સફળ થશે તો પશ્ચિમી રાજ્યોમાં તેનો અમલ કરાશે, કેમ કે ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની વોટિંગ પૅટર્ન ઘણી રીતે મળતી આવે છે. જ્યાં ભાજપ નબળો પડતો હોય ત્યાં પાવર સેન્ટર બનાવાય એટલે કે એ જિલ્લામાંથી વધારે મંત્રી રાખવા, જેથી ફાયદો મળી શકે. ગુજરાતના ઇતિહાસમાં આખેઆખું મંત્રીમંડળ બદલી નાખવાનો પ્રયોગ પ્રથમ વખત થયો છે અને આમ કરીને અન્ય રાજ્યોની સરકારને પણ એક ઇશારો આપી દેવામાં આવ્યો છે. જામી પડેલા મંત્રીઓ પડતા મુકીને નવાને ચાન્સ આપવાની થિયરી ખરેખર યોગ્ય જ છે…”

“વાહ મહારાજ વિક્રમ, તમે તો ગુજરાત રાજ્યના રાજકારણની કૂંડળી ખોલી ભાજપ અને આરએસએસની ઘણી બધી ભૂલાઈ ગયેલી વાતો યાદ કરાવી દીધી. માત્ર રાજકીય પક્ષો જ શું કામ? અન્ય સામાજિક સંસ્થાઓ પણ આ નો રિપિટ થિયરી અપનાવે તો સૌને સંસ્થા કે સરકાર ચલાવવાનો ચાન્સ મળે…” કહીને બન્ને ખડખડાટ હસી પડ્યા.

લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com

હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ

Download Mytro App https://bit.ly/mygan20

Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube

Desclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.

Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.