ગાંધીનગર: પાટનગર નજીકના વીરાતલાવડીનાં યુવાનને ગાંધીનગર-ચિલોડા રોડ પરથી રોકડા ત્રીસ હજાર સાથે કેટલાક મહત્વના ડોક્યુમેંટ્સ ભરેલું પાકીટ મળી આવ્યા બાદ તેના મૂળ માલિકને શોધીને તેમને પરત કરીને ગજબની પ્રમાણિકતા દેખાડી છે. વળી, આ પાકીટ ગાંધીનગરમાં પોતાની પુત્રીને અભ્યાસ માટે મૂકવા આવેલા પૂનાના એક નિવૃત લેફટનન્ટ કર્નલનું હતું જેના બદલામાં તેઓ રૂપિયા પાંચ હજારનો પુરસ્કાર પણ આપવા તૈયાર થયા હતા પરંતુ ઈમાનદાર યુવાને તે પણ સ્વીકારવાની ના પાડી દેતાં તેઓ ખૂબ જ અભિભૂત થઈ ગયા હતા. છેવટે સેક્ટર 21 પોલીસે યુવાનનું તેની ખુદ્દારી માટે સન્માન કર્યું હતું.
બનાવની વિગતો મુજબ રવિવારે ઉવારસદની યુનાઇટેડ વર્લ્ડ ઇન્સ્ટિટયૂટ ખાતે મહારાષ્ટ્રના પૂના ખાતે રહેતા એક પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ એસ.વી.એસ.એ. પ્રસાદ પોતાની દીકરીને અભ્યાસ અર્થે મુકવા માટે ગાંધીનગર આવ્યા હતા. દિકરીને ઈન્સ્ટીટયૂટમાં મૂકી તેઓ ઉવારસદથી ચિલોડાના આર્મી કેન્ટોન્મેન્ટ ખાતે જવા રવાના થયા હતાં ત્યારે રસ્તામાં તેમનું રૂ.૩૦હજાર રોકડા તેમજ અગત્યના દસ્તાવેજો સાથેનું પાકીટ પડી જવા પામ્યું હતું.
પોતાનું ખોવાયેલું પાકીટ શોધવા તેમણે ઘણી કોશિષ કરી છતાં ક્યાંય પાકીટ મળી ના આવતા અને પાકીટમાં ખુબ જ અગત્યના દસ્તાવેજો હોવાથી તેઓ પરેશાન થઇ ગયા હતા. ઉપરથી ગાંધીનગરની ભૂગોળથી પણ તેઓ સાવ અજાણ હતાં. છેવટે તેઓ સ્થાનિકોની મદદથી ગાંધીનગરના સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા સે.૨૧ના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી.ભરવાડને પોતાની આપવીતી જણાવી હતી જે સાંભળીને પીઆીઇ ભરવાડે તુરંત જ પોતાની ટીમને તેમનું પાકીટ શોધવા રવાના કરી હતી. આ ટીમના એ.એસ.આઇ. દિનેશભાઈ દેવજીભાઈ, એ.એસ.આઇ. પ્રવિણસિંહ જીલુસિંહ અને કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ પ્રજાપતિની ટીમ પૂર્વ લેફ્ટનન્ટ કર્નલને લઈ ખોવાયેલું પાકીટ શોધવા માટે કર્નલ જ્યાં જ્યાં ફર્યા હતા તે રસ્તાઓ ખૂંદી વળી હતી.
ઘણી શોધખોળ કરવા છતાં પણ પાકીટ મળી ના આવતા પોલીસ ટીમે કંટ્રોલ રૂમમાં જઈ સીસીટીવી ફૂટેજની પણ ઝીણવટપૂર્વક તપાસ આદરી હતી. જોકે તેમાં પણ કોઇ ભાળ ના મળતાં આખરે પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ ચિલોડા ખાતે કેન્ટોનમેન્ટ ગેસ્ટ હાઉસ પર પરત ફર્યા હતા. બીજી તરફ તેમનું પાકીટ ચિલોડા રોડ પરથી ગાંધીનગર નજીકના વીરા તલાવડી ગામે રહેતા અને નરોડામાં કલરની ફેક્ટરીમાં કામ કરતાં માત્ર ૨૫ વર્ષીય અજીતકુમાર વિષ્ણુજી ઉદાજી ઠાકોર નામના યુવા શ્રમિકને બિનવારસી હાલતમાં મળ્યું હતું જેમાં રૂ.૩૦હજાર રોકડા અને કેટલાંક દસ્તાવેજો હતા. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા શ્રમિક યુવાનને પોતાના હાથમાં રોકડાં નાણાં ભરેલું પાકીટ મળી આવવાં છતાં તે યુવાન ના તો પોતાની પ્રમાણિકતા ભુલ્યો કે ના કોઇ લોભ-લાલચમાં ખેંચાયો.
તેણે પાકીટમાંથી મળી આવેલ નંબરના આધારે પૂર્વ કર્નલ પ્રસાદને ફોન કરીને પાકીટ મળ્યાની જાણ કરી હતી. પોતાના ખોવાયેલું પાકીટ મળી આવતાં તેમણે પાકીટ લેવા આવવાની તૈયારી દર્શાવી પરંતુ અજીત ઠાકોરે તેમને કેન્ટોનમેન્ટ ખાતે જ રોકાવાનું કહી પોતે ત્યાં પહોંચી ગયો હતો અને તેમનું મારા ભવિષ્યનું પણ યથાવત સ્થિતિમાં હાથોહાથ પરત કર્યું હતું. અજીત ઠાકોરની ઇમાનદારીથી ગદગદિત થઈ નિવૃત્ત લેફ. કર્નલે રૂ.૫ હજાર રોકડા પુરસ્કાર સ્વરૂપે આપવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે યુવાને સ્વીકારવાની ના પાડી દીધી હતી. જો કે પૂના માટે પરત ફરતા પહેલા તેમણે ગાંધીનગરના યુવાનની ઈમાનદારી બિરદાવીને સે.૨૧ પોલીસ સ્ટેશને જઇને અજીત ઠાકોરનું સિનિયર સિટીઝનોની ઉપસ્થિતિમાં પી.આઇ એમ.બી ભરવાડ દ્વારા બહુમાન કરી તેની પ્રમાણિકતાને બિરદાવી હતી.સેક્ટર-૨૧ પી.આઈ એમ.બી. ભરવાડ તરફથી મળેલાં સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube