ગાંધીનગર:
ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતના ૫૯૦ ગામોને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના કુલ- ૬૮ ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તેવું સોમવારે દહેગામ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ કરાવતાં યુ.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડિરેકટર મુકેશસિંધે જણાવ્યું હતું.
ગુજરાત રાજય વીજ ક્ષેત્રે સરપ્લસ છે, તેનો આનંદ વ્યક્ત કરીને યુજીવીસીએલના એમ.ડી. મહેશસિંધે જણાવ્યું હતું કે, આગામી બે થી ત્રણ વર્ષના ટુંકા ગાળામાં રાજયના ૧૮,૨૫૦ ગામોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લઇને દિવસે વીજળી આપવામાં આવશે.
રાજય વીજ ક્ષેત્રે સરપ્લસ હોવા છતાં સરકાર આપણને કેમ એક સાથે દિવસે વીજળી આપતી નથી, તેવો ધરતી પુત્રને પ્રશ્ન સતત મૂંઝવતો રહે છે, તેવું કહી તે અંગેની સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં જે રીતે દરેક ગામને જયોતિગ્રામ યોજના અંતર્ગત ૨૪ કલાક વીજળી આપવામાં આવે છે. તે રૂટને યથાવત રાખવાનો છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમ્યાન વીજળી આપવા માટે અલગથી વીજળી આપવા માટેનું જરુરી ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કેવી રીતે કરવામાં આવી રહ્યું છે, તેની વિસ્તૃત વાત કરી હતી. જેમ જેમ આ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભા થશે, તે વિસ્તારના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજયના ૪ હજાર જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે દહેગામ ખાતે આરંભ થયેલ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દહેગામ તાલુકાના ૧૬ ગામોના ૧૬૦૦ જેટલા ગ્રાહકોને આવરી લેવામાં આવ્યા છે. તે ઉપરાંત ગાંધીનગર તાલુકાના ૧૩, કલોલ તાલુકાના ૨૯ અને માણસા તાલુકાના ૧૦ ગામોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના આવરી લીધેલા કુલ- ૬૮ ગામોમાં ૨૦.૪૪ મેગાવોટ વીજળીની જરૂરિયાત રહેશે.
કોરાના કાળમાં યુ.જી.વી.સી.એલ.ના કર્મયોગીઓની કામની પ્રસંશા કરતા તેમણે ઉમેર્યું હતું કે, યુ.જી.વી.સી.એલ.ના ૫૫૦ જેટલા કર્મયોગીઓને કોરોના થયો હતો. તેમાંથી પાંચ જેટલા કર્મયોગીઓએ પોતાના પરિવારનો સાથ છોડયો છે, તેનું પણ દુ:ખ વ્યક્ત કરી સર્વે કર્મચારીઓની તેમની ફરજ ઉમદા રીતે બજાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
કિસાન મોરચાના મહામંત્રી હિતેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આપણાં માનનીય વડાપ્રધાનએ ૨૪ ઓક્ટોમ્બર ૨૦૨૦ના રોજ કિસાન સૂર્યોદય યોજનાનું ઇ-લોકાર્પણ કરીને ૩ જિલ્લાઓમાં ખેડૂતોને દિવસે થ્રી ફેઝ વીજળીની યોજના આપવાની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવીને ખેડૂતોને એક અમૂલ્ય ભેટ આપી છે. ખેડૂતોને સબસિડીની પણ રાહત મળી છે. આ યોજના હેઠળ ૨૦૨૧ના અંત સુધી રાજયભરના તમામ ૧૮ હજાર ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળતો થશે. ખેડૂતોને પાણી મળી રહે તે માટે વહેતા પાણીને રોકવા માટે ચેકડેમો,બોરીબંધ વગરે જેવા કામ કર્યા છે, ખેતરોમાં પાણી જાય તેની વ્યવસ્થા સરકારે કરી આપી છે. મુખ્યમંત્રીએ સાતપગલા ખેડૂત કલ્યાણ,કુટિરગ્રામ જેવી યોજનાઓની પણ શરૂઆત ખેડૂતો માટે કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે,સમયમાં ખેડૂતોને મોટર બળી જવાના અને લંગડિયા દ્વારા લંગળી વીજળી મળતી હતી પરંતુ આ યોજનાનો પ્રારંભ થતા ખેડૂતોની ગુણવત્તાસભર વીજળી મળતી થશે. કૃષિ મહોત્સવનું આયોજન કરીને ખેતરે ખેતરે કૃષિ વૈજ્ઞાનિકો ફરીને કૃષિ પેદાશ વધારવાનો પ્રયોગ આદર્યો, તેમણે જણાવ્યું કે ખેડૂતો વ્યાજના ચક્કરમાં ખપી ન જાય તે માટે કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી જેના થકી ખેડૂતો બિયારણ અને દવાઓ સરળતાથી મળી શકે, તેમણે સરકારના કૃષિ કાયદાને આવકારતા જણાવ્યું હતું કે, ખેડૂતોના મોંઘા મોલનો યોગ્ય ભાવ મળી રહે તે માટે કંપની સાથે સીધા ભાવ તાલ કરી શકે તેને લઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત કરી છે.
આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યુ.જી.વી.સી.એલ.ના એમ.ડી. મહેશસિંધના હસ્તે ગાંધીનગર – દહેગામ ગ્રામ્ય પેટા વિભાગની અલગ- અલગ કચેરીઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યુ.જી.વી.સી.એલ.ના મુખ્ય ઇજનેર પી.બી. પંડયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ મુખ્ય ઇજનેર વી.એમ.શ્રોફે કાર્યક્રમના અંતે આભારવિધી કરી હતી.
આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, દહેગામ એ.પી.એમ.સી.ના ચેરમેન સુમેરૂભાઇ અમીન, ગાંધીનગર પ્રાંત અધિકારી જે.એમ.ભોરણિયા, મામલતદાર સહિત આમંત્રિત મહાનુભાવો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
——————————————————–
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | YouTube