ગાંધીનગર: ગાંધીનગરના સમદર્શન આશ્રમના પરમ પૂજ્ય ગુરુમાં સમાનંદ સરસ્વતીજીની ડિસેમ્બર 2019માં યોજાયેલી શ્રીમદ ભાગવત કથાની વિડીયો-ઓડિયો પેનડ્રાઇવનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ લોકાર્પણ કર્યું હતું.
પૂજ્ય ગુરુમાની પાવન ઉપસ્થિતિમાં લોકાર્પણ કરતાં શ્રીમતી ડૉ. જયંતી રવિએ કહ્યું હતું કે, જીવનમાં સત્તા, ધન, વૈભવ, સુખ-સગવડ મળે છતાં પરમ તૃપ્તિનો અહેસાસ તો ભક્તિ અને પ્રભુ પ્રત્યેના અનન્ય પ્રેમથી જ પ્રાપ્ત થાય છે. ભાગવત કથા એ અમૂલ્ય ખજાનો છે જેનાથી જીવનમાં ભક્તિ અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રગટે છે.
ડૉ. જયંતી રવિએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં સ્વસ્થતાનો અર્થ એટલે માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં. માત્ર રોગમુક્ત હોવું એ જ સ્વસ્થતા નથી. આધ્યાત્મિક સ્વસ્થતા અને વેલ બીઇંગ હોવું પણ જરૂરી છે. તેમણે કહ્યું કે, ન્યુ નોર્મલની આ પરિસ્થિતિમાં-આધુનિક સમયમાં ભાગવત કથા અત્યંત ઉપયોગી નીવડશે. અનેક વ્યસ્તતા વચ્ચે જ્યારે પણ સમય મળે ત્યારે તેનો સદુપયોગ કરીને આવી કથાઓનું શ્રવણ કરવાથી આધ્યાત્મિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
ડૉ.જયંતી રવિએ કહ્યું હતું કે, જગતમાં આપણે ગમે તેટલા પ્રવૃત રહીએ અને પોતાનાં કાર્યોમાં વ્યસ્ત રહીએ પરંતુ ભક્તિથી ભાવજગતમાં ઊર્જાનો સંચાર થાય છે, જે વધુ સારી રીતે અને વધુ સારા કામ કરવા અંતરને પ્રેરિત કરે છે. ભક્તિની શક્તિ વડે, ભક્તિનો સ્પર્શ અડે તો નાના-મોટા તમામ કર્તવ્ય વધુ સારી રીતે થાય.
પૂજ્ય ગુરુમાએ આશીર્વચન આપતાં કહ્યું હતું કે, વધુ ને વધુ લોકો ઈશ્વરાભિમુખ થાય એ જ આ ભાગવત કથા કે વિડીયો-ઓડિયો પેનડ્રાઇવનું પ્રયોજન છે. આ સમગ્ર સંસારનો દોરીસંચાર ઈશ્વરના હાથમાં છે, આપણે તો કેવળ કઠપૂતળી છીએ. આપણાં કાર્યો ઈશ્વરના દોરીસંચાર વિના શક્ય નથી. તેમણે તમામ સદકાર્યો માટે ઈશ્વરનો આભાર માન્યો હતો.
પૂજ્ય ગુરુમાની સંપૂર્ણ ભાગવત કથા 64 જી.બી.ની એક એવી 3 વિડિયો પેનડ્રાઈવમાં અને એક ઓડિયો પેનડ્રાઈવમાં સમાવિષ્ટ છે. પેનડ્રાઈવ મેળવવા માટે રાજેશભાઈ દેસાઈનો ( ફોન નં 9978111223) નો સંપર્ક કરવા અનુરોધ છે.
આ પ્રસંગે ભાગવત કથાના મુખ્ય યજમાન અને સમદર્શન ટ્રસ્ટના ટ્રસ્ટી કિરીટભાઈ અધ્વર્યુ, સંગીતાબેન અધ્વર્યુ, મુખ્ય યજમાન કિરણભાઈ કનાડીયા અને સીમાબેન કનાડિયા ઉપસ્થિત રહ્યા હતા.
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube