ગાંધીનગર: રાષ્ટ્રીય વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદય માહુરકર, ડૉ.બ્રજેશકુમાર સિંઘે GFSU દ્વારા કોર્સ શરૂ કરવાને સમયની માગ (A need of hour) ગણાવીને કહ્યું ‘ફોરેન્સિક ક્ષેત્રે પત્રકારોને તજજ્ઞ બનાવવામાં આ કોર્સ ખૂબ ઉપયોગી સાબિત થશે’
વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી એવી ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (GFSU), ગાંધીનગરના ડાયરેક્ટર જનરલ ડો. જે. એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ GFSU દ્વારા એક નવા કોર્સ -‘સર્ટિફિકેટ કોર્સ ઇન ફોરેન્સિક જર્નાલિઝમ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં એક વેબિનારનું આયોજન તા. ૦૧/૦૯/૨૦૨૦ ના રોજ મંગળવારે કરવામાં આવેલ.
આ વેબિનાર અંગેની વિગતો આપતાં IFSના નિયામકશ્રી પ્રો.એસ.ઓ.જુનારેએ જણાવ્યું કે ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(GFSU)-ગાંધીનગર દ્વારા મંગળવારે “FORENSIC JOURNALISM IN THE NEW ERA” વિષય ઉપર સૌપ્રથમવાર વેબિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં મુખ્ય વક્તાઓમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના મહાનિયામક ડો. જે. એમ. વ્યાસ દ્વારા ‘Forensic Sciences in the New Era and New Field’ વિષય ઉપર તલસ્પર્શી વિગતવાર વ્યાખ્યાન આપવામાં આવેલ. જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપના ડેપ્યુટી એડિટર શ્રી ઉદય માહુરકર દ્વારા ‘Unique Synergy of Forensic and Journalism and New Hope’ વિષય ઉપર સારગર્ભિત વ્યાખ્યાન અપાયું હતું. જ્યારે નેટવર્ક 18 ગ્રૂપના ગ્રૂપ કન્સલ્ટિન્ગ એડિટર ડૉ.બ્રજેશકુમાર સિંઘ દ્વારા ‘New Vista in the field of Forensic Journalism and New Scope’ વિષય ઉપર નોંધનીય પ્રવચન અપાયું હતું. બન્ને રાષ્ટ્રીય વરિષ્ઠ પત્રકારો દ્વારા યુનિવર્સિટી દ્વારા શરૂ થયેલા આ કોર્સને સમયની માંગ (A need of hour) જણાવીને ભારપૂર્વક ઉમેર્યું હતું કે વધતાં જતાં Cyber Crimeના સમયમાં સમાજમાં આ પ્રકારનાં કોર્સની આવશ્યકતાને GFSU પૂર્ણ કરશે અને આ ક્ષેત્રના તજજ્ઞ તૈયાર કરવામાં ફોરેન્સિક જર્નાલિઝમનો કોર્સ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(GFSU)-ગાંધીનગરના ડાયરેક્ટર જનરલ ડો. જે. એમ. વ્યાસે વેબિનારમાં જણાવ્યું હતું કે ‘‘GFSU દ્વારા સમગ્ર એશિયામાં સૌપ્રથમવાર ‘ફોરેન્સિક જર્નાલિઝમ’નો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયો છે. ફોરેન્સિક જર્નાલિઝનો મુખ્ય હેતુ ગુનાની સત્યતા બહાર લાવવી, સચોટ, પારદર્શક, વિશ્વસનીયતા સાથેની માહિતી સમાજ સુધી પહોંચાડવાનું કામ કરનારા વિશેષજ્ઞ અને કુશળ (Specialist and Skilled) પત્રકાર તૈયાર કરવાની છે. છ મહિનાનો આ કોર્સ કોરોનાને પગલે પ્રથમ ત્રણ મહિના ઓનલાઈન થશે અને જેમને આ સર્ટિફિકેટ કોર્સમાં ભાગ લેવાની ઇચ્છા હોય તેઓ હજી પણ કોર્સમાં જોડાવા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે.
પત્રકારત્વ ક્ષેત્રે ડિપ્લોમા કે ડિગ્રી પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ આ માટે કોર્સ ઉપયોગી સાબિત થશે. આ કોર્સમાં માટે ફોરેન્સિક ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીને પણ આવરી લેવાશે. ફોરેન્સિક જર્નાલિઝમમાં સચોટ માહિતી અને સત્યતા સાથેનો અહેવાલ તૈયાર થાય તે માટે ચાર મહત્ત્વની બાબતોને આવરી લેવામાં આવશે. તથ્યપૂર્ણ વિગતો હોય, સામાજિક સંવાદિતામાં વધારો થાય, કોઇનાથી દોરાયા વગર સ્વતંત્રપણે માહિતી પ્રાપ્ત થાય, જવાબદાર અને પારદર્શક વિગતો આવે. જેનાથી Fake News (ખોટી માહિતી) વિનાનાં તથ્યપૂર્ણ સમાચાર સમાજ સમક્ષ રજૂ થાય.’’
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube