હાર્દિક મકવાણા(હાર્દ): સરકારશ્રી ની નવી શિક્ષણ નીતિ મુજબ હવેથી દરેક બાળકને પાંચમા ધોરણ સુધી ફરજીયાત માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવશે. આનંદ તો વાતનો છે કે સમય રહેતા આ નિર્ણય લેવાઈ ગયો. કેમકે વચગાળાના વર્ષોમાં જે રીતે ઈંગ્લીશ મીડીયમની શાળાઓએ લગભગ બધી જ સ્થાનિક ભાષાઓને જે નુકસાન પહોચાડ્યું છે એ જોતા બધી જ સ્થાનિક ભાષાઓના ભવિષ્ય પર ખતરો હતો. અહીં ઈંગ્લીશ મીડીયમ ના શિક્ષણ કે ઈંગ્લીશ ભાષા સાથે કોઈ જ વાંધો નથી. પરંતુ ઈંગ્લીશના અતિશય પ્રયોગ અને જીદને કારણે આ સ્કૂલો બાળકોને રીતસર ગુજરાતી ભાષા બોલવા માટે હતોત્સાહિત કરે એ બાબતે મારો વિરોધ છે. દુઃખ સાથે ક્હેવું પડે કે અમુક સ્કૂલો ગુજરાતમાં જ ગુજરાતી બોલવા પર દંડ કરતી હતી. ઈંગ્લીશ સામે ગુજરાતીને નીચી ગણવાની આ નીતિ સામે વિરોધ છે. એવી સ્કૂલો આજે ય છે જે બાળકોને ઈંગ્લીશ બોલવા દબાણ કરે, ન આવડે તો હિન્દી બોલાવે પણ ગુજરાતી તો નહીં જ. ગુજરાતીનો આવો વિરોધ શું કામ? કેમકે એ લોકો ગુજરાતી અને ગુજરાતી બોલતા બાળકોને નીચા ગણે છે. અને આવનારી પેઢીને આવી જ વાહિયાત વાતો ભણાવે છે.
પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં ન આપવાથી બાળકોમાં અમુક પાયાની બાબતો .કાચી રહે છે. કારણકે આ ઉંમરે બાળકો હજી પોતાની ભાષા માં બોલતા સમજતા થયા હોય ત્યાં જ એને વધુ બે ભાષાઓમાં બોલવા મજબુર કરવામાં આવે છે.
આપણી સિસ્ટમ એવી હતી કે બાળકો કુદરતના પાયાના સિદ્ધાંતોની સમજ દાદા દાદી કે નાના નાની ની બાળવાર્તાઓમાંથી મળી જતી. અને એ વાર્તાઓ અને કવિતાઓથી બાળકોની મૌલિક શક્તિનો વિકાસ થતો. બાળકો પોતાની જાતે સમજી અને વિઝ્યુલાઈઝ કરી શકતા. એ રીતે એમનામાં મૌલિકતા અને રચનાત્મકતાનો વિકાસ થતો. પછી અમુક વર્ષો સુધી એમને માતૃભાષામાં ગણિત વિજ્ઞાન અને સમાજશાસ્ત્રનું જ્ઞાન આપતા. જયારે આ બધા જ્ઞાનથી બાળકો સભર થાય એટલે ઈંગ્લીશ કે ફ્રેંચ કે જાપાનીઝ જેવી ભાષાઓ જરૂર પ્રમાણે શીખતાં.
અમુક ઉમરથી સમાંતર ઈંગ્લીશ ભાષા ભણાવવામાં આવે એ છે, પણ ગુજરાતીના બદલે ઈંગ્લીશ ભાષા ના શીખવી શકાય. એક અવલોકન એવું પણ છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું હોય એમની મૂળભૂત વિષયો પર સૈદ્ધાંતિક પકડ સારી એવી હોય છે. આવા વિદ્યાર્થીઓ જરૂર મુજબ અન્ય ભાષાઓ શીખીને એમાં સારું એવું ખેડાણ કરી જ લે છે. એમની સરખામણીમાં પરાણે ઈંગ્લીશ મીડીયમમાં ભણેલા બાળકો બેઝીક થીયરીમાં કાચા પડે છે. ૧૦ ગુણ્યા ૪ એટલે ૪૦ પણ કેલ્ક્યુલેટરમા કરવાની ટેવ પાડી દીધી છે આપણે.
એનું સીધું કારણ એ છે કે જે પાયા ના સિદ્ધાંતો તમે એને સમજાવવા માગો છો એ સમજતા પહેલા એને ઈંગ્લીશમાં ટ્રાન્સલેટ કરવા પડે છે. અહી બાળક પર બમણો માર પડે છે. એક તો મૂળભૂત સિદ્ધાંતો સમજવા ને બીજું એનું ઈંગ્લીશ કરવું. છેવટે બે ય બગડે છે. આવા બાળકો સમાજમા જલ્દી ભળી શકતા નથી અને એકલતા અને ચીડીયાપણાના શિકાર થાય છે.
બીજું અને ખુબ મોટું નુકસાન એ થાય છે કે આવા બાળકોમાં અભિવ્યક્તિની ઉણપ રહી જાય છે. એ જે કહેવા માગે છે એ આપણે ગુજરાતીમા સાંભળવા તૈયાર નથી હોતા. એટલે ફરજીયાત ઈંગ્લીશમા બોલવા પર મજબુર બાળકો બધું યોગ્ય રીતે સમજાવી શકતા નથી. બધાને મોટા થઈને ગુજરાત બહાર જ વસી નથી જવાનું. જે સમાજમા રહેવાનું છે ત્યાના લોકોને સમજી શકે એવા તો બનાવો બાળકોને.
અને મને તો એ વાત નથી સમજાતી કે સ્થાનિક ભાષા શીખ્યા વગર કોઈ પણ ક્ષેત્ર ના નિષ્ણાતો સર્વાઇવ કેમ કરી શકશે? શું ડોક્ટરો ને માત્ર ઈંગ્લીશમાં જ ડીલ કરવાનું આવશે? શું એને સામાન્ય કે ગામડાઓમા રહેતા દર્દીની સારવાર કરવાની નહી આવે? આવા વખતે એમને સમજી શકે એમના દર્દો ને સમજી શકે એટલા તો સક્ષમ બનાવો ભાવી ડોક્ટરો ને!
દુઃખ એ વાતનું પણ છે કે સામાન્ય વાતચીતની ગુજરાતી ભાષા ન સમજી શકતા બાળકો મેઘાણી, કલાપી, કાગ કે દલપતરામ નું સાહિત્ય કેમ સમજી શકશે? એમને આ બધાથી વંચિત જ રાખવાના છે, કે નવું સાહિત્ય ગુજરાતીમાં લખવાનું જ નથી. ગુજરાતી સાહિત્ય આટલું સમૃદ્ધ છે એને સમજી શકે એવી પ્રજા જ નહી રહે તો શું અર્થ આનો? ને આમ તો ગુજરાતી સાહિત્યની ધરોહર કેમ આગળ વધશે. આપણા સાહિત્યની જેટલી કદર આપણે નથી કરતા એટલી વિદેશમાં વસેલા ગુજરાતીઓ કરે છે. દોસ્તો, જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એમને ગુલામ બનાવવી સૌથી સહેલી હોય છે. ને હવે સૌથી મહત્વનો મુદ્દો.
આ બાબતે જવાબદાર કોણ? વધારે ફી માટે ઇન્ગ્લીશને પ્રાધાન્ય આપતી સ્કૂલો?
ના આ બાબતે જવાબદાર છે આ ફી આપતા વાલીઓ. પોતાના બાળકને ગુજરાતી નથી આવડતું એ બાબતે ગર્વ લેનારા વાલીઓ. દોસ્તો બાળકોને “ઇટ કરી લે” કે “સ્લીપ કરી લે” જેવી હાસ્યાસ્પદ ભાષા શીખવતા પહેલા ઇટ એટલે ખાવું ને સ્લીપ એટલે સુવું એટલું તો શીખવી દો. તમારા બાળકને ઈંગ્લીશ આવડે એનો ગર્વ અમને ય છે પણ ગુજરાતી ના આવડવાનો ગર્વ ના હોવો જોઈએ. એ શરમની બાબત છે.
છેવટે એટલું જ કહીશ કે ગુજરાતીને પ્રેમ કરો ને નવી પેઢીને એની ભવ્યતા સમજાવો. મારી ગુજરાતી મારા માટે સૌથી શ્રેષ્ઠ છે ને રહેશે… એને કોઈ જરૂર નથી ઈંગ્લીશ સર્ટીફીકેટની.
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube