ગાંધીનગર: તા. ૧લી ઓગસ્ટ ૨૦૨૦ ભારતમાં રોજના કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ૫૦હજારથી વધુનો ઉમેરો થઇ રહ્યો છે અને કુલ કેસો ૧૭લાખથી વધુ પંહોચી ગયા છે, ગુજરાતમાં પણ કેસોની સંખ્યા ૬૨હજાર સુધી પંહોચી ગઇ છે. જે કોરોના વિશે પહેલાં છાપમાં વાંચતા હતા કે ટીવી સમાચારમાં જોતા હતા તે કોરોના આપણી નજીક આવ્યો, જાણીતાઓને થયો, ઓળખીતાઓને થયો અને હવે તો પડોશીઓકે સગાંસંબંધીઓને થઇને આપણાં ઘરમાં ઘુસી રહ્યો છે. હજુ સુધી આ મહામારીની રસીની શોધ પુરી થઇ નથી ત્યારે આ સ્થિતિમાં માત્ર અને માત્ર તમારી સાવચેતી જ તમને કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનતા અટકાવી શકે છે.
આ માહિતી એટલા માટે આપી કે અત્યારે રક્ષાબંધનના તહેવારને ઉજવવા ઘણા પરિવારોમાં ક્યાંક ભાઇઅો બહેનોને રૂબરુ આવીને અને તે જ રીતે ઘણી બહેનો જાતે રૂબરુ ભાઇના ઘરે જઇને રાખડી બાંધવાનો આગ્રહ કરી રહ્યાં છે. આપણે વર્ષોથી જોયું છે કે રક્ષાબંધને ઘણા ભાઇ-બહેન અેકબીજાથી દૂર હોવાને કારણે ટપાલ દ્વારા કે અન્ય કોઇ રીતે રાખડી મોકલીને પણ રક્ષાબંધન ઉજવાય છે. આ વર્ષે આ મહામારી હોવાથી શા માટે આપણે અેક વર્ષ આ તહેવાર એ રીતે કેમ ના ઉજવી શકીયે? શું ભાઇ પોતાની વ્હાલી બહેનની સલામતી નથી ઇચ્છતો? શું બહેન જે ભાઇની રક્ષા માટે રાખડી બાંધવા જઇ રહી છે તે અને તેનો પરિવાર સુરક્ષિત રહે તેની ચિંતા નહીં કરે? યાદ રાખો કે કોરોના વાયરસનો ચેપ માત્ર તેના દર્દીના સંપર્કમાં આવવાથી નથી થતો બલ્કે અનેક વસ્તુઓ પર લાગેલા વાયરસના સંસર્ગમાં આવવાથી પણ થઇ શકે છે અને તે બાળકો-વડીલો માટે તો જોખમી છે જ પરંતુ અનેક યુવાનોઅે પણ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. વળી, કોરોના વાયરસ જેને લાગે તેની તુરંત જ જાણ થતી નથી બલ્કે ૭ થી ૧૫ દિવસ લાગી જાય છે ત્યારે રાખડી બાંધવા આવેલી બહેન કોરોના આપીને ગઇ કે પોતાના ભાઇના ઘરેથી સાથે કોરોના લઇને પાછી આવી તેની ખબર જ નહીં પડે. જો આપ સૌ આપના વ્હાલાં ભાઇ કે બહેન તેમજ બાળકો અને પરિવારની સલામતી જાળવવા ઇચ્છતા હોવ તો આ અેક વર્ષે રક્ષાબંધને રૂબરુ રાખડી બાંધવાની કે બંધાવવાની જીદને છોડી પ્રતિકાત્મક રીતે રક્ષાબંધન ઉજવજો અને ફોન પર અેકબીજાની સુરક્ષાની અભિલાષા વ્યક્ત કરજો. કોરોનાને કારણે આપણે જીવનમાં ઘણા પરિવર્તન અપનાવ્યાં છે તો શું અેક વર્ષ માટે આપણે આ તહેવાર રૂબરુ ગયા વગર ના ઉજવી શકીયે? આખરે આ તહેવાર સુરક્ષાની ભાવના વ્યક્ત કરવાનો જ તહેવાર છે ને જેમાં બહેન ભાઇની સુરક્ષા માટે કામના કરે છે અને ભાઇ બહેનની સુરક્ષાનું વચન આપે છે.
સૌને હેપ્પી રક્ષાબંધન સાવચેત રહો ~ સલામત રહો
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube