ગાંધીનગર: ગાંધીનગરના અક્ષરધામ નજીક સુપ્રસિદ્ધ બોરિજ જૈન તિર્થ શ્રી વિશ્વમૈત્રી ધામ મધ્યે પૂ. યોગનિષ્ઠ આચાર્ય શિમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજાના સમુદાયના વડીલ સાધ્વી પૂ.પુણ્યપ્રભાશ્રીજી મ.સા.ના દ્વારા કાર્ડિયાક સર્જન તબીબ ડો.ભૂપેશભાઈ ડી. શાહના સહયોગ તથા માર્ગદર્શન અંતર્ગત “ખિચડી ઘર” ની શરૂઆત કરવામાં આવી છે. આ “ખિચડી ઘર” દરરોજ ૭૦૦ જેટલી જરૂરિયાતમંદ વર્ગની વ્યકિતઓના પેટની આંતરડી ઠારવામાં ઉપયોગી નીવડી રહ્યું છે.
દેશ અને દુનિયામાં જયારથી કોરોનાનો પ્રકોપ વધ્યો છે ત્યારથી સાધ્વીજી પૂ. પુણ્યપ્રભાશ્રીજી મ.સા.નું મન દુઃખી અને વ્યથિત બન્યું છે અને તેઓ દરેક જીવાત્માઓની ચિંતા કરવા સાથે ‘જગતના સર્વે જીવોનું કલ્યાણ થાઓ’ની ભાવના વ્યકત કરી રહ્યા છે. આ વ્યથાના ઉપક્રમે તેમણે અમદાવાદમાં માનવ સેવા કાર્યો કરતા તબીબ ડો. ભૂપેશભાઈ ડી. શાહના સહયોગ અને માર્ગદર્શન સાથે બોરિજના વિશ્વમૈત્રી ધામ ખાતે જરૂરિયાતમંદો માટે ખીચડી ઘરની શરૂઆત કરાવી છે.
જેનો લાભ આસપાસના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ વર્ગના શ્રમિક પરીવારો પ્રાપ્ત કરી રહ્યા છે. આ ખીચડી સેવા સાથે તેમણે દર આંતરે દિવસે તેમાં ચુરમાના લાડુ, મગસના લાડુ, શીરો, ફાડા લાપશી, કેળાં, સેવ મમરાં, બિસ્કીટ વગેરે જેવી પૌષ્ટિક વાનગીઓ પણ વારાફરથી પીરસાય તેવું આયોજન કર્યું છે. આ સેવા તેમના ભાવિક ભકતો દ્વારા પુરી પાડવામાં આવી રહી છે અને છેલ્લા બે માસથી બોરિજ જૈન તિર્થના સ્ટાફ દ્વારા પણ ખીચડી ઘરમાં ઉપયોગી સેવા આપવામાં આવી રહી છે. અગાઉ સાધ્વીજીએ લોકડાઉનના પ્રથમ રાઉન્ડમાં અનાજની કીટનું જરૂરિયાતમંદોમાં વિતરણ કરાવી પ્રસંશનીય સેવા પુરી પાડી હતી.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપDownload MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube