ગાંધીનગર તા.૧૭ આજે ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહનું બોર્ડની પરીક્ષાઓનું પરિણામ જાહેર થયું હતું જેમાં ગાંધીનગરના રામી-માળી સમાજના ફેનિલ સમીરકુમાર રામી અને વિશ્વા સંદીપકુમાર રામીએ “એ” ગ્રૂપમાં ૯૧.૪૨ પર્સંટાઈલ રેન્ક પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું છે.
ગાંધીનગરના વાવોલના શાલીન-૪ એપાર્ટમેંટ ખાતે રહેતા અને સેઠ સી. એમ. હાઇસ્કૂલના વિદ્યાર્થી ફેનિલ રામીએ વિજ્ઞાન પ્રવાહના “એ” ગ્રૂપમાં કુલ ૬૫૦માથી ૪૮૨ ગુણ પ્રાપ્ત કર્યા છે જેમાં ગણિત, રસાયણશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનના મળીને ૨૨૬ ગુણ મેળવવા સાથે ૯૧.૪૨ પર્સંટાઈલ રેન્ક પ્રાપ્ત કર્યો છે. જ્યારે વાવોલની કેશવ પાર્ક સોસાયટી ખાતે રહેતી અને સ્વામિનારાયણ ગુરુકુળ સે,૨૩ની વિદ્યાર્થીની વિશ્વા રામીએ વિજ્ઞાન પ્રવાહના “એ” ગ્રૂપમાં કુલ ૬૫૦માથી ૫૦૪ ગુણ પ્રાપ્ત કર્યા છે જેમાં ગણિત, રસાયણશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનના મળીને ૨૨૬ ગુણ મેળવવા સાથે તેણે પણ ૯૧.૪૨ પર્સંટાઈલ રેન્ક પ્રાપ્ત કર્યો છે. બંનેએ ગાંધીનગરના કિશોર ક્લાસીસ ખાતે ટ્યુશન પ્રાપ્ત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બંને એકબીજાના પિતરાઇ ભાઈ-બહેન થાય છે અને બંનેએ તેમના ઉત્કૃષ્ટ પરિણામ દ્વારા ગાંધીનગરના રામી-માળી સમાજ ઉપરાંત તેમના દેશકાંઠા રામી-માળી સમાજનું પણ ગૌરવ વધાર્યું છે. બંનેને પરિવારજનો, સમાજના સ્નેહીજનો તથા અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા છે.