ગાંધીનગર સાહિત્ય સભા દર મહિનાના બીજા રવિવારે તેમની નિયમિત માસિક બેઠક આયોજિત કરે છે. ગાંધીનગર સાહિત્યસભા દ્વારા કોરોના મહામારીના સમયમાં અનોખી ઓનલાઈન મહેફિલ યોજવામાં આવી હતી. આ માસે ગાંધીનગર સાહિત્યસભાના નવનિયુક્ત અધ્યક્ષ સંજય થોરાત દ્વારા આ નૂતન અભિગમ અપનાવી સૌ સભ્યોને પોતાની રચના રેકોર્ડ કરી મોકલવા કહેવામાં આવ્યું હતું. સૌ કોઈએ આ નિર્ણયને આવકારી પોતાની રચના રેકોર્ડ કરી પાઠવી હતી.
રવિવારે સાંજે એનાં નિયત સમયે યોજાયેલી આ ઓનલાઈન મહેફિલમાં કવિ કિશોર જીકાદરા, કવિ પ્રતાપસિંહ ડાભી, બાબુભાઈ નાયક, ભીખુ કવિ, નિરંજન શાહ, અનંત પટેલ, અલ્કેશ પંડયા, કાન્તીલાલ શર્મા, અજય રાવલ, રણછોડભાઈ પરમાર, કિરીટ ત્રિવેદી, મૂળજીભાઈ પરમાર, માયાબહેન ચૌહાણ, કોમલ તલાટી અને સંજય થોરાતની કોરોના વિશેની વિવિધ રચનાઓ પ્રસ્તુત થઈ હતી.
આ મહેફિલમાં નડિયાદ ખાતે રહેતા ડો. હાર્દિક નિકુંજ યાજ્ઞિક અને અમદાવાદના પાર્મી દેસાઈને ખાસ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. તેમણે મસ્ત રચનાથી દાદ મેળવી હતી. આ રચનાઓને પંકજભાઈ ગાંધી, દિશા પોપટ, નટવર હેડાઉ, નિપૂણ ચોક્સી વગેરે ભાવકોએ ઓનલાઈન દાદ આપી સર્જકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ સર્વે સર્જકોની જુદી-જુદી રચનાઓ ગાંધીનગર સાહિત્યસભાની અધિકૃત યુટ્યુબ ચેનલ ઉપર પણ મુકવામાં આવશે તેવી જાહેરાત સંજયભાઈ થોરાત દ્વારા કરવામાં આવી અને આ જવાબદારી સંસ્થાના કારોબારી સભ્ય અજય રાવલને સોંપવામાં આવી હતી. કોરોના મહામારીના આ વિકટ પરિસ્થિતિમાં ગાંધીનગર સાહિત્યસભાનો આ નૂતન પ્રયોગ પ્રશંસનીય બન્યો હતો.