સરકારી વાણિજ્ય કૉલેજ, સેક્ટર-૧૫ના યજમાન પદે ગાંધીનગર ખાતે ગુરૂવારે જિલ્લા ક્ક્ષાના પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન સરકારી વાણિજ્ય કૉલેજ, સેક્ટર-૧૫ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પને મહેસુલ મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વ વાળી સરકાર યુવાનોને રોજગારી આપવા કટિબઘ્ઘ છે. ભારત દેશ યુવા દેશ છે. યુવાનોને યોગ્ય રોજગારી તક મળે અને તેમાં પડેલી શક્તિને ઉજાગર કરવાનું પ્લેટ ફોર્મ આપવા સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેકીંગ ઇન્ડિયા જેવા અનેક કાર્યક્રમ અમલી બનાવ્યા છે. તેમજ યુવાન રોજગારી મેળવવાની જગ્યાએ રોજગારી આપનાર દાતા બને તે માટે પણ અનેક સહાય યોજના અમલી બનાવી છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજયના વિવિઘ જિલ્લામાં એપ્રેન્ટીસ અને રોજગારી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેના થકી અનેક યુવાનોને રોજગારીની તક મળી છે. તે ઉપરાંત સ્કીલ ધરાવતાં નવ યુવાનો ઔધોગિક ક્ષેત્રે મળી રહે તે માટે પણ સરકાર દ્વારા સુચારું આયોજન કરવામાં આવે છે.
આ કેમ્પમાં ગાંધીનગર જિલ્લાની તમામ કોલેજના વિધાર્થીઓની રોજગારી માટે ઓનલાઇન નોંધણી કરવામાં આવી હતી. આ નોંધણી થયેલ વિધાર્થીઓને તેમની વિદ્યાશાખા મુજબ આર્ટ્સ , કૉમર્સ અને સાયન્સની સરકારી કૉલેજ ખાતે ઉપસ્થિત રહેલા વિવિધ કંપનીના અધિકારીઓ સામે ઇન્ટર્વ્યું માટે મોકલવામાં આવ્યા હતા. આ સાથે ઓનલાઇન નોંધણી સિવાયના સ્થળ ઉપર હાજર રહેલા વિદ્યાર્થીઓને પણ રોજગાર મેળવવા માટે સ્પોટ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
મંત્રી શ્રી અને મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને રોજગારી માટેના નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રકારના રોજગાર મેળા યુવાનો માટે ખૂબ ઉપકારક નીવડે છે. જેનો કંપની તરફથી સકારાત્મક પ્રતિભાવ મળતા કંપનીઓ અને વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ સમગ્ર રોજગાર ભરતી મેળાનું આયોજન સરકારી વાણિજ્ય કૉલેજના આચાર્યશ્રી અને નોડેલ અધિકારી શ્રી જે.એન.પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેને પાટનગરની ત્રણેય સરકારી કૉલેજના અધ્યાપકશ્રીઓએ ટીમવર્ક દ્વારા સફળ બનાવ્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી રીટાબેન પટેલ, સ્ટેન્ડીગ કમિટિના ચેરમેન શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા કલેક્ટરશ્રી કુલદીપ આર્ય, અધિક કમિશનરશ્રી નારાયણ માધુ, ડૉ.એમ.એમ.ભટ્ટ, ડૉ.આર.બી.કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.