રાજ્યમાં વધતી બેરોજગારી અને IT આધારિત ઉદ્યોગોના વ્યાપ વધારવા માટે સરકારે એક મોટો નિર્ણય લેવાની વાત કરી છે. ગુજરાતના મહેસુલ મંત્રી શ્રી કૌશિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં લોજિસ્ટિક સેક્ટર, માઇનિંગ સેક્ટર તથા IT અને IT આધારિત ઉદ્યોગોનો વ્યાપ વધે તે માટે વિવિધ વિભાગો સાથે સલાહ સૂચન કરીને આ ક્ષેત્રોને બોનાફાઈડ ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવશે. તેમણે કહ્યું વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયથી રાજ્યમાં યુવાનોને વ્યાપક પ્રમાણમાં રોજગારીની તકો પણ મળી રહેશે.
મહેસુલ મંત્રીએ આગળ કહ્યું કે, આ નિર્ણયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું જોયું છે જેને સાકાર કરવામાં ખુબ મદદ મળશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઝડપી વિકાસ કરવા માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘ડિજિટલ ગુજરાત’ના નિર્માણમાં IT / ITES ક્ષેત્રોનું મોટું યોગદાન રહેશે. માટે રાજ્યમાં IT અને IT આધારિત ઇન્ડસ્ટ્રીઝ વધે માટે તથા લોજિસ્ટિક ક્ષેત્ર અને માઇનિંગ ક્ષેત્રમાં વિકાસની તકો વધે તે માટે નક્કર આયોજન પણ કરવામાં આવ્યું છે. આના લીધે રાજ્યમાં યુવાનોની બેરોજગારી દૂર થાય અને સાથે રાજ્યનો પણ ડિજિટલ ક્ષેત્રે વિકાસ થાય તેવી આશાઓ સેવવામાં આવી રહી છે.