નવરાત્રી અષ્ઠમી નિમિત્તે રવિવારે ગાંધીનગરના સેક્ટર 11 ખાતે કલ્ચરલ ફોરમમાં એક અદ્દભુત નજારો જોવા મળ્યો હતો. અહીં યોજાયેલી આઠમની મહાઆરતીમાં દીવડાઓની મદદથી રાષ્ટ્રના પિતા મહાત્મા ગાંધીની તસ્વીરને બનાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે તે દીવડાઓ હજારો લોકોએ પોતાના હાથમાં પકડી રાખ્યા હતા. બાપુને તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે નવરાત્રીના આઠમા દિવસે યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગાંધીની છબી કેટલી સુંદર રીતે ઉભરી આવી છે તે તસ્વીરોમાં જોવા મળે છે.
જણાવી દઈએ કે ગાંધીજીની 150મી જન્મજયંતિને વિશેષ બનાવવા માટે, તેમને વિવિધ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પૂરો દેશ ગાંધીબાપુને પોતાની અલગ અલગ રીતે અદ્દભુત શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. તો એવામાં કલ્ચરલ ફોરમમાં અપાયેલી શ્રદ્ધાંજલિએ સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું હતું. જેને જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉભરી હતી.