ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રીની ધામધૂમ અને ઉલ્લાસભરી ઉજવણી બાદ હવે ગાંધીનગરના લોકો માણશે ગ્રીન રાત્રીની મજા. નવરાત્રી પૂર્ણ થઇ ગઈ છે છતાં હજુ શહેરના ખેલૈયાઓના મન નથી ભરાયા. ખેલૈયાઓને તો હજુ મોકો મળે તો એમના પગ ગરબાના તાલે ઘુમવા માટે થનગની રહ્યા છે. માટે જ શહેરના કુડાસણના નાગરણ ફાર્મ ખાતે શનિવારે એટલે કે ૧૨ ઓક્ટોબરે ‘લાઈવ દાંડિયા એન્ડ ગરબા નાઈટ’નું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે ૭ વાગ્યાથી શરુ થનારી આ ગરબા નાઇટનું આયોજન ગાંધીનગરના ‘એક નંબર કલચરલ ગ્રુપ’, ‘રાધે રાધે ગ્રુપ’ અને ‘વાવો રીવોલ્યુશન’ના સહયોગથી શક્ય બન્યું છે.
આ ગરબા નાઇટના આયોજનનો મુખ્ય ઉદેશ્ય ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ને પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા અંગે જાગૃતિ ફેલાવવાનો છે. સાથે રી-યુઝ કરી શકાય તેવા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી રિસાયકલ કરીને બનાવેલ ચીજ વસ્તુઓ જેવી કે શુલબેગ, ટીશર્ટ, કેપ વગેરે વસ્તુઓનું વેચાણ થશે. ઉપરાંત નાકમાં કાગળને રિસાયકલ કરીને વનવેયેલી પેન, પેન્સિલ, પુસ્તકો, તેમજ પ્લાસ્ટિકને બદલે વાપરી શકાય તેવી થેલીઓ, મંદિરના નાકમાં ફૂલોમાંથી બનાવયેલી અગરબત્તીઓ, ખાતર જેવી અનોખી અને પર્યાવરણને અનુકૂળ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થશે. આ કાર્યક્રમમાં શામેલ થનારા લોકો તેમને ઘરેથી જે નકામાં જુના વસ્ત્રો લઈને આવશે તે]માંથી કાપડની થેલીઓ બનાવડાવી તેનું શહેરમાં વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમને વિશેષ બનાવવા જાણીતી ગુજરાતી વેબ સિરીઝ ‘બસ ચા સુધી’ના અભિનેતા અને RJ રુહાન ઉપસ્થિત રહેશે. સાથે આ ઇવેન્ટમાં મુખ્ય અતિથિ રૂપે ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા અને મહાનગરપાલિકાના સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર જનક ઠકકર પણ હાજરી આપશે. આ ગરબા નાઈટમાં શહેરના ખેલૈયાઓ ફરી એક વાર મન મૂકીને ગરબાના તાલે જુમી શકશે.