જીવનમાં ભાગ્યનું પરિબળ નકારી શકાય નહીં, પરંતુ જ્યારે આ પરિબળ અંધશ્રદ્ધા બની જાય છે ત્યારે તે સખત મહેનત અને પ્રતિભાને ખુબ નકારાત્મક અસર કરે છે. આ જ બાબત નિર્દેશક અભિષેક શર્માની ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’નો મુખ્ય આધાર છે. આ પહેલા અભિષેક શર્માએ ‘તેરે બિન લાદેન’ અને ‘શૌકીન’ જેવી કોમેડી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ વખતે પણ ‘ધ ઝોયા ફેક્ટર’ના માધ્યમથી તે ફરી એકવાર લાઈટ હાર્ટેડ કોમેડી ફિલ્મ લઈને આવ્યા છે.
સોનમ કપૂર અને દુલકર સલમાન સ્ટારર ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ અનુજા ચૌહાણના પુસ્તક પર આધારિત છે. ફિલ્મના પહેલા ભાગને ડિરેક્ટર અભિષેક કપૂરે ખુબ લાઈટ રાખ્યો છે. તેમાં દર્શકોનું સારું મનોરંજન થાય છે. ઇન્ટરમિશન પહેલાં ફિલ્મની ગતિ એકદમ ધીમી છે. બીજા હાફમાં ઝોયાનું લક ફેક્ટર ચાલુ થતાંની સાથે જ આ ફિલ્મ ગતિ પકડે છે, પરંતુ જે રીતે ડાયરેક્ટરે ઝોયાના લક ફેક્ટરના લીધે ભારતીય ટીમની જીત બતાવી છે તે થોડું અવિશ્વસનીય લાગે છે. કમેન્ટેટરોની કમેન્ટ્રી તો ઓડિયન્સને ખુબ હસાવે છે, પરંતુ આપણને આશ્ચર્ય થાય કે ક્રિકેટમાં આ પ્રકારની ટિપ્પણી શક્ય છે કે કેમ. પણ ક્રિકેટની આસપાસ ફરતી આ ફિલ્મ થોડી હલકી ફુલકી કોમેડી જરૂર આપે છે.
ભોળી અને થોડી મૂર્ખ ઝોયા તરીકે સોનમે તેની ભૂમિકા ઇમાનદારીથી નિભાવી છે. તે ભૂતકાળમાં પણ આ પ્રકારની ભૂમિકાઓ કરી ચૂકી છે, પરંતુ આ વખતે તેની કોમેડી ટાઈમિંગ સુધરેલી દેખાય છે. ફિલ્મનું મુખ્ય આકર્ષણ દુલકર સલમાન સાબિત થયા છે. ‘કારવાં’ પછીની તેમની આ બીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં તે ન માત્ર ક્યૂટ અને હેન્ડસમ દેખાય છે, પરંતુ તેણે પોતાની ભૂમિકા પણ ખુબ સારી રીતે નિભાવી છે. ફિલ્મના માત્ર એક સીન માટે આવેલા અનિલ કપૂર દર્શકોને ખુબ હસાવે છે. ઝોયાના પિતા તરીકે સંજય કપૂરે અને ભાઈ દિલાવર તરીકે સિકંદર ખેર સારી કામગીરી બજાવી છે. અંગદ બેદીએ પોતાની રોબિનની ભૂમિકાને ખુબ ન્યાય આપ્યો છે. સાથે જ શંકર-એહસાન-લોયના સંગીતથી ફિલ્મમાં ‘કાશ’ અને ‘મેહરુ’ જેવા ગીતો પણ દર્શકોને મનોરંજન આપે છે.
જો તમે હલકી ફુલકી કોમેડીના શોખીન હોવ અને તમને લોજીકમાં વધારે રસ ન હોય તો આ ફિલ્મ તમને જરૂરથી ગમશે.