ભગવાને માણસને બોલવાની શક્તિ આપી છે જેની મદદથી માણસ પોતાની તકલીફો વ્યક્ત કરી શકે છે અને મદદ માંગી શકે છે. પરંતુ જયારે મૂંગા પ્રાણીઓને તકલીફ પડે તો તે બોલીને વ્યક્ત કરી શકતા નથી અને આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં સૌકોઈ એટલા વ્યસ્ત છે કે તેમને મૂંગા પ્રાણીની આંખોમાં રહેલા દર્દને જોવાનો સમય જ નથી. પરંતુ ગાંધીનગરમાં એક યુવતી છે, જે આપણા બધાથી અલગ છે. તે છેલ્લા 10 વર્ષથી મૂંગા પશુઓની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહી છે. વાત છે ગાંધીનગરના ભૂમિકા પટેલની.
ભૂમિકા પટેલ પોતે ગાંધીનગરની એક ખાનગી કંપનીમાં CEO છે. પોતાનું શિડયુઅલ એક દમ વ્યસ્ત હોવા છતાં વર્ષના ૩૬૫ દિવસ તે પશુસેવા માટે સમય કાઢી જ લે છે. તેઓ ગલીઓમાં રખડતા કૂતરા-ગાય જેવા પ્રાણીઓના ભોજન અને સારવાર માટે મહિને 10 હજારથી વધુનો ખર્ચ પણ કરે છે. તેમના આ કાર્યમાં તેમના પતિ બ્રિન્દેશ પટેલ અને તેમનો પરિવાર પણ તેમની એટલી જ મદદ કરે છે. બીએસસી મલ્ટીમીડિયાના અભ્યાસ પૂરો કાર્ય બાદ ભૂમિકા Boloha store હેઠળ જ્વેલરી ડિઝાઇન અને સેલ કરે છે. ભૂમિકા પશુસેવાની સાથે સાથે પોતાના વ્યવસાયિક અને પારિવારિક જવાબદારીઓ પણ પુરી નિષ્ઠાથી નિભાવે છે.
ભૂમિકા છેલ્લા ૧૦ વર્ષથી એક પણ દિવસ ભૂલ્યા વગર રોજ સવારે ૪.૩૦ વાગે ઉઠીને રસ્તા પરના કૂતરા અને ગાયને ભોજન આપે છે. સ્ટ્રીટ ડોગ્સ માટેના સ્પેશિયલ ડોગ ફૂડ માટે ભૂમિકા દર મહિને ૬૦૦૦ રૂપિયા, અન્ય બિસ્કીટ માટે 3000 રૂપિયા અને તેમની સારવાર માટે 1000થી વધારેનો ખર્ચ કરે છે. ભૂમિકા રોજ સવારે આશરે 55થી વધારે કૂતરાને જાતે બિસ્કીટ ખવડાવે છે, આ ઉપરાંત તે અન્ય ત્રણ જગ્યાએ ડોગફૂડ પહોંચાડે છે. ઉપરાંત ભૂમિકા તેમના સ્વર્ગસ્થ પિતા જે મહેસાણાના પીઆઈ હતા તેમની પુણ્યતિથિએ પણ 100 કૂતરાને ખીર ખવડાવે છે. ભૂમિકા અત્યાર સુધી ૫૫૦ થી વધારે પશુઓની સારવાર કરાવી ચુક્યા છે.
MyGandhinagar સાથેની વાતચીતમાં ભૂમિકાએ જણાવ્યું હતું કે તેને અગર સરકારનો સપોર્ટ મળે તો તે ભવિષ્યમાં એનિમલ હોસ્પિટલ બનાવવા માંગે છે. તે આ હોસ્પિટલ દ્વારા પશુઓ માટે એમ્બ્યુલન્સ, ઇમર્જન્સી સારવાર, 24 કલાક ડોક્ટર સહિતની સુવિધાવાળી હોસ્પિટલ બનવવા માંગે છે, જેથી પશુઓની સારી સારવાર થઈ શકે. ભૂમિકા પાસે એનિમલ કેર ટેકર તરીકેનું કાયદેસર લાઇસન્સ પણ છે. ભૂમિકાનું કહેવું છે કે તેઓ આ કાર્ય કોઈ પ્રસિદ્ધિ કે એવૉર્ડ માટે નથી કરતા, ફક્ત મનની શાંતિ માટે કરે છે.
આજના જમાનામાં જ્યાં લોકો બીજાની તકલીફો જોઈને પણ નજરઅંદાજ કરે છે ત્યાં ભૂમિકા પટેલ મૂંગા પશુઓની સેવા કરીને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે. ભૂમિકા પટેલના આ પશુપ્રેમને MyGandhinagarના સલામ છે.
I cogruchalasn I.Patel.. REALLY GRAJOB SHE’S for