ચોમાસુ આવતા જ ઠેર ઠેર મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. મચ્છરોના લીધે રોગચાળો ખુબ ફેલાય છે. પરંતુ તેને રોકવું આપણા હાથમાં જ છે. બસ અમુક વાતોનું ધ્યાન રાખીને આપણે મચ્છરોના ઉપદ્રવથી બચી શકીએ છીએ અને બીમારીને અટકાવી શકીએ છીએ.
મચ્છરોને ઉદ્દભવતા અટકાવો:
-એનોફીલીસ નામના મચ્છર મેલેરિયા ફેલાવે છે. તેઓ ચોખ્ખા અને એકઠા થયેલા પાણીમાં પેદા થાય છે.
-મચ્છરોને ઉદ્ભવતા અટકાવવા માટે પાણી ભરવાના પાત્રો છે તેને અઠવાડિયામાં એક વાર સંપૂર્ણ રીતે ખાલી કરીને એક દમ સાફ -કરીને સૂકવીને પછી ફરીથી ભરવા જોઈએ.
-ચોમાસુ આવતા જ નકામા ટાયરો, ડબ્બા , ખાલી વાસણો, જેમાં પણ પાણી ભરાવાની શક્યતા હોય તે ખાલી કરી નાખો અને તેમાં પાણી ભરાવા ન દો.
-જે જગ્યાએ પાણી કાઢવું કે ખાડા પુરવા શક્ય ન હોય તો તેવી જગ્યાએ ગપ્પી માછલીઓ મુકો. ગપ્પી માછલીઓ મચ્છરોના પોરા ખાઈ જાય છે. જેથી મચ્છરો પેદા થતા નથી.
-ઘરની આસપાસ કે જ્યાં પણ પાણીના નાના ખાડા હોય, જ્યાં પાણી ભરવાની શક્યતા હોય તે ખાડાઓ માટીથી પુરી દેવા જોઈએ.
મચ્છરોથી બચવા આટલું ધ્યાન રાખો:
-હંમેશા મચ્છરદાનીમાં જ સુવો.
-મચ્છરોથી બચવા બને ત્યાં સુધી આખું શરીર ઢંકાય તેટલા કપડાં પહેરવાનું રાખો.
-મચ્છર ભગવતી અગરબત્તીનો ઉપયોગ કરો.
-ખાસ નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓએ સુવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જ જોઈએ.
-સવારે વહેલા ને સંધ્યા કાળે બારી-બારણાં બંધ રાખો, જેથી મચ્છરો ઘરમાં પ્રવેશી શકે નહિ.
-સાંજે ઘરમાં કડવા લીમડાના પાનનો ધુમાડો કરવો જોઈએ જેથી ઘરની અંદરના મચ્છર ભાગી જાય.